You are currently browsing the tag archive for the 'prabhat na pushpo' tag.
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવાં લઈને.
ગમી પણ જાય છે ચહેરા કોઈ, તો એમ લાગે છે –
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જૂજવાં લઈને.
તરસને કારણે નહોતી રહી તાકાત ચરણોમાં,
નહીં તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઈને.
સફરના તાપમાં માથા ઉપર એનો જ છાંયો છે,
હું નીકળ્યો છું નજરમાં મારા ઘરનાં નેજવાં લઈને.
બધાનાં બંધ ઘરનાં દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તૂટેલાં ટેરવાં લઈને.
કરું છું વ્યક્ત એ માટે જ એને ગાઈ ગાઈને,
ગળે આવી ગયો છું હું અનુભવ અવનવા લઈને.
હું રજકણથીય હલકો છું તો પર્વતથીયે ભારે છું,
મને ના તોળશો લોકો, તમારાં ત્રાજવાં લઈને.
સુખીજનની પડે દષ્ટિ તો એ ઈર્ષા કરે મારી,
હું આવ્યો છું ઘણાં એવાં દુ:ખો પણ આગવાં લઈને.
ફક્ત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધા ‘બેફામ’,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈને.
કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા.
સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં,
જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં.
તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં.
એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.
મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.
કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.
હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.
- અમૃત ‘ઘાયલ’
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.
તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.
તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.
મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.
- ‘સૈફ’ પાલનપુરી
ભૂલી વફાની રીતના ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.
સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે, કંકોત્રીમાં રૂપ છે, શોભા છે, રંગ છે,
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ, જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ, જાણે કે પ્રેમ કાવ્યોની કોઇ કિતાબ સમ.
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી, શીર નામ મારૂ કીધું છે ખુદ એના હાથથી,
ભૂલી વફાની રીતના ભૂલી જરી મને, લ્યો એનાં લગ્નની મળી કંકોત્રી મને.
કંકોત્રીથી એટલુ પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે,
જ્યારે ઉધાડી રીતે ના કાંઇ પ્યાર થાય છે, ત્યારે પ્રસંગ જોઇ સદiચાર થાય છે.
દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે, કંકોત્રી નથી આ અમસ્તો વિવેક છે,
ભૂલી વફાની રીતના ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.
આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો, તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો,
હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો, મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો,
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છુ, એ પારકી બની જશે હું એનો એજ છું.
ભૂલી વફાની રીતના ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.
– આસીમ રાંદેરી
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.
સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.
જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.
નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે નાઝીર
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.
ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં
ઊર્મિમાં ડૂબેલા જામ હતાં,
શું આંસુનો ભૂતકાળ હતો
- શું આંસુનાં પણ નામ હતાં.
થોડીક શિકાયત કરવી’તી
થોડાક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઇ જતે -
બેચાર મને પણ કામ હતાં.
હું ચાંદની રાતે નીકળ્યોતો
ને મારી સફર ચર્ચાઇ ગઇ,
કંઇ મંઝિલ પણ મશહૂર હતી
- કંઇ રસ્તા પણ બદનામ હતાં.
જીવનની સમીસાંજે મારે
જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછા પાનાં જોઇ શક્યો,
બહુ અંગત અંગત નામ હતાં.
પેલા ખૂણે બેઠાં છે એ
”સૈફ” છે મિત્રો જાણો છો?
કેવો ચંચલ જીવ હતો
ને કેવાં રમતાંરામ હતાં!

Recent Comments